સરકાર DIGIPIN નામનું ડિજિટલ એડ્રેસ માટેનું નવું ફ્રેમવર્ક તૈયાર કરવા જઈ રહી છે.
જેમાં એડ્રેસ કઈ રીતે લખવાનું, કઈ રીતે શેર કરવાનું એની સિસ્ટમ તૈયાર કરવામાં આવશે.
આધાર કાર્ડ અને UPIથી ડિજિટલ પેમેન્ટમાં સરળતા કર્યા પછી હવે સરકાર એડ્રેસનું પણ ડિજિટાઈઝેશન કરશે.
જેમ આધાર નંબર દરેક નાગરિકની ઓળખ માટે જરૂરી બની ગયો છે એમ આ ડિજિટલ ઍડ્રેસ ID દેશના દરેક ઘર અને જગ્યાની ઓળખને આસાન અને ચોક્કસ બનાવવામાં મદદ કરશે.
આ સિસ્ટમથી સરકારી સેવાઓ અને પાર્સલની ડિલિવરી વધુ ઝડપી અને ચોક્કસ બનાવી શકાશે.
આધાર નંબર પછી સરકાર હવે એડ્રેસની સિસ્ટમ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)નો હિસ્સો બનાવવાની વેતરણમાં છે.
હાલમાં ઍડ્રેસને લઈને કોઈ સિસ્ટમ કે ફોર્મેટ નથી, એનો કોઈ ડેટા પણ નથી.
ઘણી કંપનીઓ લોકોની જાણકારી વિના જ લોકોના એડ્રેસ શેર કરે છે, પણ હવે સરકારની નવી સિસ્ટમ પછી વ્યક્તિની પરવાનગી વિના કોઈ તમારું સરનામું વાપરી ન શકે એ સુનિશ્ચિત થઈ શકશે.
આ આખીયે યોજના પર પોસ્ટ વિભાગ કામ કરી રહ્યો છે અને આ સિસ્ટમનો ડ્રાફટ પ્લાન થોડા જ દિવસોમાં લોકોનાં સૂચનો લેવા માટે જાહેર કરવામાં આવશે.
2025ના અંત સુધીમાં આ સિસ્ટમનું ફાઇનલ વર્ઝન તૈયાર કરવાનું આયોજન છે. સંસદના શિયાળુ સત્રમાં આ સિસ્ટમ લાગુ કરવા વિશેનો કાયદો બનાવવાની રજૂઆત થશે.
શું હશે DIGIPIN? આ 10 કેરેકટરવાળો એક આલ્ફાન્યુમેરિકલ કોડ હશે જે કોઈ પણ જગ્યાનું સટીક લોકેશન બતાવશે.
હાલમાં જે પિનકોડ સિસ્ટમ છે એ એક વિશાળ એરિયાને કવર કરે છે, પરંતુ DIGIPIN એ ખાસ જગ્યા માટે હશે જ્યાં કોઈ બિલ્ડિંગ કે દુકાન છે.
ગામ, સ્લમ, જંગલ કે પહાડી વિસ્તારોમાં DIGIPIN થી હવે દેશના દરેક ખૂણાને એક યુનિક ડિજિટલ એડ્રેસ મળશે.