હવેથી સ્કૂલ પ્રવાસ દરમિયાન યુનિફોર્મમાં સજ્જ બે પોલીસ કર્મી સાથે રાખવા પડશે.
એટલું જ નહીં, પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હશે, તો મહિલા પોલીસકર્મી સાથે રહેશે.
આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટે પ્રવાસ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવી પડશે.
વડાપ્રધાન મોદીએ DGP-IGP કોન્ફરન્સમાં કરેલા સૂચન પર અમલીકરણ કરાશે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર પાઠવાયો છે.
આ પત્રમાં અન્વયે રાજ્યની તમામ (સરકારી/અર્ધ સરકારી/ખાનગી) સ્કૂલના આચાર્યોને પણ સૂચના આપવામાં આવી છે.
જેમાં ઉલ્લેખ કર્યો છે કે હવે વિદ્યાર્થીઓ માટે આયોજિત થતી પ્રવાસ/ટુર/પિકનિક/મુલાકાત દરમિયાન ગણવેશધારી 02 પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવાનું કહેવાયું છે.
આ સિવાય સ્કૂલના આચાર્યે પણ ઉપરોક્ત કામગીરી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે. જો પ્રવાસ/ટુર/પિકનિક/મુલાકાતમાં વિદ્યાર્થિનીઓ હશે તો મહિલા પોલીસકર્મી પણ સાથે રાખવા પડશે.