સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ અને હનીટ્રેપ પર સંશોધન કરશે.
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા 2025-26ના નવા શૈક્ષણિક સત્રથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન હ્યુમન રાઇટ્સ અને સાયબર સિક્યુરિટી લોનો નવો અભ્યાસક્રમ શરૂ થશે.
આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ સાયબર ગુનાઓ અને તેની મોડેસ ઓપરેન્ડીનું ડેટા એનાલિસિસ કરીને સંશોધન કરશે.
જેમાં સાયબર ક્રાઇમની સમજ, મનોવૈજ્ઞાનિક તકનીક, સોશિયલ મીડિયા ફ્રોડ, ઓનલાઈન બેન્કિંગ- મોબાઇલ એપ્લિકેશન ફ્રોડ, કોમ્પ્યુટર/લેપટોપ પર વાયરસ એટેક, સાયબર ક્રાઇમ સંબંધિત કાયદાઓ અને બચવાના ઉપાયોનો અભ્યાસ થશે, જે પોલીસ વિભાગ અને સમાજ માટે ખૂબ જ ઉપયોગી રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ માંજરીયાએ જણાવ્યું કે, "ગત વર્ષે સાયબર સિક્યુરિટી અંતર્ગત સાયબર ક્લબ માટે કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક થયા બાદ, સાયબર ક્રાઇમ પોલીસના અધિકારીઓ સાથે મળવાનું થયું હતું.
સાયબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગત વર્ષે વિચાર આવ્યો કે માનવ અધિકાર અને સાયબર ગુનાઓ સંબંધિત PG ડિપ્લોમા ઈન હ્યુમન રાઇટ્સ સાયબર સિક્યુરિટી લોનો અભ્યાસક્રમ શરૂ કરીએ. ગત વર્ષે અમે મંજૂરી માંગતા, કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ આ વર્ષે કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપી છે."
ભણાવવા સાયબર ક્રાઇમના અધિકારીઓ આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2025-26ના નવા શૈક્ષણિક વર્ષથી સાયબર સિક્યુરિટીનો નવો કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
વર્તમાનમાં સાયબર ગુનાઓની પદ્ધતિમાં ઘણો બદલાવ આવ્યો છે, જેમાં હનીટ્રેપ, ડિજિટલ એરેસ્ટ અને ફાઇનાન્સિયલ ફ્રોડનો યુવાનો, મહિલાઓ અને વડીલો ભોગ બની રહ્યા છે.
નવો સાયબર સિક્યુરિટી કોર્સ 1 વર્ષનો હશે, જેમાં પ્રથમ સેમેસ્ટરમાં 2 વિષયો હશે: Concept and Development of Human Rights અને Crimes in Cyberspace: A Threat to National Security. બીજા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓએ ડીઝર્ટેશન રિસર્ચ રાઇટીંગ એટલે કે લઘુશોધ નિબંધ રજૂ કરવો પડશે.
આ અભ્યાસક્રમમાં સાયબર ગુનાઓને અટકાવવા માટે વિદ્યાર્થીઓ રિસર્ચ વર્ક કરશે, જેમાં તેઓ એવા ડેટા મેળવશે કે કયા પ્રકારના સાયબર ગુનાઓને કેવી રીતે નિયંત્રણમાં લઈ શકાય.
આ રિસર્ચ ડોક્ટરલ અને નોન-ડોક્ટરલ પદ્ધતિના આધારે કરવામાં આવશે.
સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે અને સાયબર ક્રાઇમના અધિકારીઓને એક્સપર્ટ તરીકે લેક્ચરમાં બોલાવવામાં આવશે.
એડમિશન લેતા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ પોલીસ મથકની મુલાકાત લેવડાશે, જેથી તેઓ સાયબર ગુનાઓ અટકાવવા માટે ડેટા એનાલિસિસ કરી ચોક્કસ તારણ મેળવી શકે અને લોકોમાં જાગૃતિ ફેલાવી શકે.
પ્રથમ તબક્કે 15 સીટો સાથે પ્રવેશ
પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન હ્યુમન રાઇટ્સ સાયબર સિક્યુરિટી લોનો કોર્સ પ્રાથમિક તબક્કે 15 સીટો સાથે શરૂ કરવામાં આવશે, તેની વાર્ષિક ફી રૂ. 12,000 રાખવામાં આવશે. GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) ના માધ્યમથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. વધુ રસ દર્શાવતા વિદ્યાર્થીઓ માટે વધુ સીટોની માંગણી કરવામાં આવશે. આ કોર્સમાં 75 ટકા હાજરી ફરજિયાત છે.