સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજ માતૃશ્રી વિરબાઈમા મહિલા આર્ટસ કોલેજ રાજકોટ માટે ગૌરવની ક્ષણ છે. આ કોલેજની તેજસ્વી એથ્લેટિક્સ ખેલાડી ઝાલા દેવયાનીબા જુલાઈમાં જર્મનીમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્ટ થયાં છે.
જેથી તેઓ આગામી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 400 મીટર રનિંગ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 16 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન યોજાનારી આ રનિંગ ઈવેન્ટમાં ભાગ લેવા માટે દેવયાનીબા ઝાલા જર્મની જશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, "આ ક્ષણ અમારા માટે ખુબ જ ગર્વની છે.
કારણ કે દેવયાનીબાએ પોતાની અસાધારણ રમત ક્ષમતા અને સખત પરિશ્રમના બળે આ સ્થાન હાંસલ કર્યું છે.
તેમનું વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્શન થવું એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પણ ગર્વની વાત છે."
અનેક મેડલ દેવયાનીબા ઝાલાએ જીત્યા
તેમણે વધુમાં જણાવ્યું કે, "તેજસ્વી એથ્લેટિક્સ પ્લેયર ઝાલા દેવયાનીબા આગામી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 400 મીટર રનિંગ ઇવેન્ટમાં ભારતની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેવા માટે આગામી આગામી તા.16 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન જર્મની ખાતે જશે."
દેવયાનીબા ઝાલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સર્વ પ્રથમ ખેલાડી હશે, જે વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્ટ થઈ હોય. તેમણે અગાઉ કોલેજ, યુનિવર્સિટી, રાજ્ય અને ઓપન નેશનલમાં એથ્લેટિક્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જે તેમની પ્રતિભાનો પુરાવો છે. ત્યારે એથ્લેટિક્સ પ્લેયર દેવયાનીબા ઝાલાને સૌ કોઈ શુભકામનાઓ પાઠવી રહ્યું છે.
400 મીટર દોડમાં દેવયાનીબાના રેકોર્ડ
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતર યુનિવર્સિટી એથ્લેટિક્સ સ્પર્ધામાં 52.25 સેકન્ડના રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
- ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટી ખાતે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ યોજાઇ હતી જેમાં તેનો ટાઈમિંગ 52.21 સેકન્ડનો હતો અને તેને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
- ઉત્તરાખંડમાં નેશનલ ગેમ યોજાઇ હતી. જેમાં 53.20 સેકન્ડમાં દોડ પૂરી કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
પંજાબમાં સિનિયર નેશનલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 52.21 સેકન્ડમાં દોડ પૂરી કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો.