ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિત નવ જેટલા આતંકવાદી કેમ્પને નષ્ટ કરવા માટે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું.
ત્યારે આ મિશનમાં એક મુસ્લિમ મહિલા કર્નલ સોફિયા કુરેશી અને એક હિન્દુ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
જે કર્નલ સોફિયા કુરેશીને ટીવી પર આ મિશન અંગેની માહિતી આપતા જોઈ પરિવારના સભ્યોની છાતી ફુલાઈ ગઈ છે, પરિવાર એટલી હદે ખુશ થયો કે, કર્નલ સોફિયા કુરેશીના ભાઈ મહમ્મદ સંજય કુરેશી, પિતા તાજ મહમ્મદ કુરેશી અને મમ્મી અલીમાં કુરેશીએ તેના નાનપણના કિસ્સા દુનિયા સમક્ષ રજૂ કરવા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
PCમાં માહિતી આપતા કર્નલ સોફિયા કુરેશીના ભાઈ મહમ્મદ સંજય કુરેશીએ જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર અંગેની માહિતી મારી બહેન કર્નલ સોફિયા કુરેશી આપશે એની અમને કોઈ જ માહિતી નહોતી.
જોકે તેને અચાનક આ મંચ પર જોતા જે ખુશી અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત થાય તેવી નથી. એવું અનુભવાયું કે અમે દુનિયા જીતી લીધી, અમારી છાતી ફુલાઈ રહી છે. આતંકવાદી હુમલાનો જવાબ દેવો જરૂરી હતો અને એ અમારા પરિવારમાંથી કોઈએ આપ્યો તો એનાથી વધારે ગર્વની વાત શું હોઈ શકે.
આખો પરિવાર જ દેશભક્ત
ભાઈ મહમ્મદ સંજય કુરેશીએ જણાવ્યું કે, અમારા દાદા પણ ઇન્ડિયન આર્મીમાં હતા.
જે બાદ અમારા પિતા તાજુદ્દીન કુરેશી પણ ઇન્ડિયન આર્મીમાં જોડાયા. જેથી અમારો ઉછેર એવી જ રીતે દેશભક્તિ અને દેશની સેવા કરવા માટે થયો છે.
બહેન સોફિયાએ સૌપ્રથમ આર્મી સ્કૂલમાંથી અભ્યાસ શરૂ કર્યો છે, પ્રાથમિક શિક્ષણ બરોડાની કેન્દ્રિય વિદ્યાલયમાં મેળવ્યું છે.
જે બાદ કોલેજ MS યુનિવર્સિટી B.sc ઇન કેમેસ્ટ્રી અને બાદ માસ્ટર પણ પૂર્ણ કર્યું છે. સાથે જ તેણે MS યુનિવર્સિટીમાં જ Ph.d ઇન બાયો કેમેસ્ટ્રી અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ એક સાથે કરેલી છે.
ph.dનો અભ્યાસ છોડ્યો આર્મી માટે
MS યુનિવર્સિટીમાં સોફિયા કુરેશીનું જ્યારે Ph.dનું અંતિમ વર્ષ ચાલુ હતું, દરમિયાન તેને ઇન્ડિયન આર્મીમાં જવાનો મોકો મળ્યો અને તેણે શોર્ટ સર્વિસ કમિશન (SSC)માં એપ્લાય કરી ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યું અને તે સિલેક્ટ થઈ હતી.
જેથી Phdના અંતિમ વર્ષમાં હોવા છતાં તેણે અભ્યાસ છોડી દીધો અને આર્મીમાં જોડાઈ ગઈ હતી.
તેને પ્રોફેસરની નોકરી મળવાનું નક્કી જ હતું, છતાં તેણે છોડીને તે આર્મીમાં ગઈ હતી અને આજે આ સ્ટેજ પર ઉભી છે.
સોફિયા કુરેશીના પતિ તાજુદ્દીન મહમ્મદ પણ એક કર્નલ છે અને તેમનો એક દીકરો પણ છે, જોકે હાલ બંને અલગ અલગ રહે છે.
નાનપણનો કર્નલનો કિસ્સો
કર્નલ સોફિયા કુરેશીના બાળપણનો એક કિસ્સો યાદ કરતા ભાઈ મહમ્મદ સંજય કુરેશીએ જણાવ્યું કે, 1980ના દાયકામાં તે સાયકલ ચલાવતા શીખતી હતી, તે સમયે બે-ત્રણ વખત પડી અને તેને ફ્રેક્ચર પણ થયું.
પણ તે રોકાઈ નહીં. ભલે પગ તૂટ્યો હતો અને તેને પગમાં પ્લાસ્ટર લાગ્યું હતું, છતાં તે સાથે આગળ વધતી ગઈ અને અંતે સાયકલ ચલાવતા શીખી ગઈ, માટે એનો દૃઢ નિશ્ચય હતો.
બહેન સાયના પણ NCCમાં ગોલ્ડ મેડાલિસ્ટ
ભાઈએ વધુમાં કહ્યું કે, અમારા સંપૂર્ણ પરિવાર દેશભક્તિમાં રંગાયો છે.
અમારા દાદા, પિતા અને બહેન કર્નલ સોફિયા કુરેશી જેમ દેશની સેવા કરી રહી છે, તેવી જ રીતે અમારી બીજી બહેન સાયના કુરેશી પણ NCCમાં છે.
સાયનાએ પણ ફાયરિંગમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે, સાથે જ પેરા કમાન્ડિંગમાં પણ ભાગ લીધો છે, જોકે સિલેક્શન સમયે તેની ઉંમર ઓછી હોવાને કારણે તે મેડિકલમાં અટકાઈ ગઈ હતી.
જોકે 11માં ધોરણમાં અભ્યાસ કરતી મારી છોકરી પણ આર્મીમાં જઈ દેશની સેવા કરવા માટે તૈયાર છે, આજે એની ફોઈ કર્નલ સોફિયા કુરેશી તેની માટે આઇડલ બની છે.
માતા-પિતાએ શું કહ્યું?
જ્યારે પિતા તાજ કુરેશીએ અને માતા અલીમાં કુરેશીએ જણાવ્યું કે, અમારી દીકરીએ દેશ માટે જે પણ કંઈ પણ કર્યું છે, તે માટે અમને ખૂબ જ ગર્વ અનુભવ થાય છે.
અમારા પરિવારનો એક જ સિદ્ધાંત છે કે, રાષ્ટ્ર માટે બધુ જ કરીશું. અમે પહેલા ભારતીય છે અને બાદમાં હિન્દુ કે મુસ્લિમ છીએ.
આ દેશભક્ત પરિવાર ચાહે છે કે આ ઓપરેશન ફક્ત અહીં જ સીમિત ન રહેવાની જગ્યાએ પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીર (PoK)ને ભારતમાં પાછું લાવવું જોઈએ.