આજના આધુનિક યુગમાં મહિલાઓએ પોતાની ક્ષમતાઓથી દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
ગુજરાત સરકારની સખી મંડળ યોજના આવી મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા અને તેમની પ્રતિભાને વિકસાવવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
આ યોજનાના થકી અનેક મહિલાઓએ ન માત્ર પોતાની આવડતને નિખારી છે, પરંતુ પોતાના હુનરથી ઘરગુંથણી અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવીને આત્મનિર્ભરતા હાંસલ કરી છે.
આજે લોકોમાં હાથવણાટથી બનતી વસ્તુઓ પ્રત્યે જાગૃતતા વધી છે, અને તેઓ પ્રિન્ટેડ કે મશીનથી બનતી વસ્તુઓને બદલે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ખરીદવાનું વધુ પસંદ કરે છે.
આવી જ એક પ્રેરણાદાયી કહાણી જામનગરના શિવમ સખી મંડળની છે.
શરૂઆત હેન્ડીક્રાફ્ટની
જામનગર જિલ્લાના શિવમ સખી મંડળની સભ્ય કવિતાબા ભટ્ટી જણાવે છે, “અમે છેલ્લા 20 વર્ષથી ઘરે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવીએ છીએ, પરંતુ 2021માં અમે સખી મંડળ સાથે જોડાયા અને આ કામને વધુ વ્યવસ્થિત રીતે આગળ વધાર્યું.” સખી મંડળ યોજનાએ તેમને ન માત્ર તેમની કળાને નવું આયામ આપ્યું, પરંતુ બજારમાં પોતાની વસ્તુઓ વેચવાની તક પણ પૂરી પાડી.
કવિતાબા કહે છે, “સરકારની આ યોજનાએ અમને બહારના શહેરોમાં જઈને અમારી વસ્તુઓ વેચવાનું શીખવ્યું.
ગુજરાત સરકાર દ્વારા આયોજિત એક્સપો અને મેળાઓ શિવમ સખી મંડળ જેવા સમૂહો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બન્યું છે.
આ એક્સપોમાં શિવમ સખી મંડળની બહેનો પોતાની હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરે છે.
કવિતાબા જણાવે છે, “અમે રાજકોટ, અમદાવાદ અને દિલ્લી જેવા શહેરોમાં આયોજિત એક્સપોમાં ભાગ લઈએ છીએ.
અમારી કળા હવે ખરા અર્થમાં લોકો સુધી પહોંચી રહી છે.
મંડળની બહેનોને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો
આ એક્સપોના કારણે શિવમ સખી મંડળની વસ્તુઓએ રાજકોટથી લઈને દિલ્લી સુધી લોકપ્રિયતા મેળવી છે.
ગ્રાહકો હાથવણાટની વસ્તુઓની ગુણવત્તા અને અનોખી ડિઝાઈનને ખૂબ પસંદ કરે છે.
આનાથી મંડળની બહેનોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, અને તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
શરૂઆતમાં શિવમ સખી મંડળ તોરણ, ટોડલીયા, પડદા અને મટુકી જેવી પરંપરાગત હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ બનાવતું હતું.
પરંતુ ધીમે-ધીમે તેમણે નવીનતા અપનાવી અને વિવિધ પ્રકારની સુશોભનની વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું હતું.
આજે તેઓ સુશોભનનો મોર, બતકવાળા રૂમાલ, ઢીંગલી, ઢીંગલીનું ઝૂમર, સ્ટ્રોબેરીનું ઝૂમર, પર્સ, બંગળી, ભગવાનના વાઘા અને નવરાત્રિના ઘરેણાં જેવી અનેક વસ્તુઓ બનાવે છે