કેન્સર એટલે કેન્સલ નહીં. આ પીડામાંથી મુક્ત થઈ ખુશી સાથે જીવન પસાર કરી શકે તે માટે રાજકોટમાં સૌરાષ્ટ્રનું પહેલું પેલેટિવ કેર સેન્ટર તૈયાર થવા જઈ રહ્યું છે.
જે 4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. પેલેટિવ કેર સેન્ટર રાજકોટમાં બને તેવું સપનું રાજકોટ કેન્સર કેર ફાઉન્ડેશનનું છે.
ત્યારે આ સપનાને સાકાર કરવા માટે આગામી દિવસોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રમાશે.
જેમાં સ્ટાર ક્રિકેટરો, સેલેબ્રિટી અને કેન્સર વોરિયર્સ ચોગ્ગા, છક્કા ફટકારશે.
રાજકોટ કેન્સર કેર ફાઉન્ડેશનના સભ્યો કે જેઓ કેન્સર સામે જંગ જીતેલા વોરિયર્સની એકથી ચડિયાતી પ્રેરણાદાયી વાત છે.
આ ફાઉન્ડેશન શરૂ કરવાની પહેલ અશ્વિનભાઈ સોલંકી અને અન્ય સભ્યોના વિચારથી બન્યું છે.
જેમાં એક મેકને હૂંફ અને હિંમતનો ડોઝ અપાય છે. કેન્સર અવેરનેસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ત્યારે આ ફાઉન્ડેશન દ્વારા આગામી 6થી 8 જૂન દરમિયાન રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવભાઈ શાહ અને માર્ગદર્શક હિમાંશુ શાહ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
ફાઉન્ડર અશ્વિન સોલંકીએ જણાવ્યું કે એક વર્ષમાં કેન્સરના દર્દીઓ માટે આધુનિક અને સુવિધાઓથી સજ્જ આ પેલેટિવ કેર સેન્ટરનું નિર્માણ કરવાનો અમારો સંકલ્પ છે.
જેના લાભાર્થ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિન્દ્રસિંહ જાડેજા, ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, ચેતન સાકરીયા સહિતના ક્રિકેટર્સ જોડાશે.
આ સાથે જ ટેલિવૂડની કેટલીક સેલેબ્રિટી પણ હાજર રહેશે.