રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે, જેની અસરથી લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
રાજકોટની એક સેવાભાવી સંસ્થાએ શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને ગરમીથી બચાવવા માટે ચંપલનું વિતરણ કરવાનો પ્રયાસ કર્યો છે.
શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા રાજકોટ શહેરના વિવિધ વોર્ડમાં ચંપલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
શ્રી ખોડલધામ યુવા સમિતિ હંમેશા સેવાકીય કાર્યો માટે તત્પર રહે છે.
હાલમાં, ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને, સમિતિએ રાજકોટના આર્થિક રીતે નબળા લોકો માટે ચંપલ વિતરણ કર્યું હતું, જેથી તેઓને ગરમીમાંથી રાહત મળે.
હાલમાં રાજકોટમાં મે મહિના જેવી આકરી ગરમી પડી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ લોકોને આ સમયે જરૂરીયાત વિના ઘરની બહાર ન નીકળવા અને લૂ થી બચવા અપીલ કરી છે.
ગરમીના કારણે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ છે અને લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે.
આવી ગરમીમાં શહેરના શ્રમજીવી વિસ્તારમાં રહેતા બાળકોની હાલત ઘણી કફોડી બની છે.
ઉનાળાના આકરા તાપમાં આપણે પણ ઘરની બહાર નીકળતા પહેલા 100 વખત વિચારીએ છીએ, ત્યારે અમુક બાળકો પાસે તો પગમાં પહેરવા માટે ચંપલ પણ નથી.
આ બાબતને ધ્યાનમાં રાખીને, શ્રી ખોડલધામ યુવા સમિતિએ આવા બાળકોને ચંપલ આપી તેમને ગરમીથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ચંપલ પહેરીને બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. આ ચંપલ તેઓને સમગ્ર ઉનાળા દરમિયાન ગરમીથી રાહત આપશે.