હવે સંપૂર્ણ વિશ્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ સૌ કોઈ દોટ મૂકી રહ્યું છે.
દરેક ક્ષેત્રમાં AI આવી ગયું છે, જેમાં હવે શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી રહ્યું.
આવો જ એક દાખલો શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલમાં જોવા મળ્યો છે.
જ્યાં છેલ્લા 15 દિવસથી વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તૈયાર કરવામાં આવેલા રોબોટ શિક્ષણ આપી રહ્યો છે.
આ રોબોટ બાળકોને ગુજરાતી, હિન્દી, સોશિયલ સાયન્સ, અંગ્રેજી ગ્રામર તેમજ જનરલ નોલેજ સહિતના વિષયો શીખવાડી રહ્યો છે.
શાળામાં કે.જી.થી લઈ ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે.
ત્યારે રોબોટ દ્વારા ભૂલકાઓને ABCDથી માંડીને વિવિધ સ્ટોરી પણ સંભળાવવામાં આવે છે.
તેમજ ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયો પણ ભણાવવામાં આવી રહ્યા છે.
શાળાની આ નવી પહેલથી વિદ્યાર્થીઓમાં પણ શાળાએ આવવાની ઉત્સુકતા જોવા મળે છે.
બાળકો શાળામાં આવીને રોબોટને પ્રશ્ન પૂછીને પોતાના પ્રશ્નોના જવાબ પણ મેળવી રહ્યા છે.