અમેરિકામાંથી ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટી માટે મોટું અભિયાન ચલાવ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના ધનિકોને આકર્ષવા માટે 'ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ' લોન્ચ કર્યો છે.
ગોલ્ડ કાર્ડ મારફત વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાની સાથે ટ્રમ્પે પ્રતિભાશાળી વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં જ રોકી રાખવાની તૈયારી કરી છે.
પ્રમુખ ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ' પ્રોગ્રામ હેઠળ અમેરિકન કંપનીઓને હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ જેવી ટોચની યુનિવર્સિટીસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની ભરતી કરવાની મંજૂરી આપી છે.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકન કંપનીઓ ગોલ્ડ કાર્ડ ખરીદીને પ્રતિભાશાળી વિદેશી વિદ્યાર્થીઓને નોકરી પર રાખી શકશે.
ટ્રમ્પે દાવો કર્યો કે, અમેરિકામાં અભ્યાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પોતાના દેશ પરત ફરે છે અને કંપની ખોલી અબજોપતિ બની જાય છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધનવાન વિદેશીઓને આકર્ષવા માટે 'ગોલ્ડ કાર્ડ' પ્રોગ્રામ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
આ કાર્યક્રમ વૈશ્વિક ધનિકોને અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપશે. તેઓ ૫૦ લાખ અમેરિકન ડોલરમાં ગોલ્ડ કાર્ડ ખરીદી શકશે, જેથી તેમના માટે અમેરિકાનું નાગરિકત્વ મેળવવાનો માર્ગ હળવો થઈ જશે.
ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામનો લાભ મોટા પ્રમાણમાં ભારતીય વિદ્યાર્થીઓ અને રોકાણકારો લેશે અને તેનાથી લાખો ડોલરની આવક થવાની ટ્રમ્પને આશા છે.
પ્રમુખ ટ્રમ્પનો ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ વર્તમાન ઈબી-૫ વિઝા કાર્યક્રમનું સ્થાન લઈ લેશે તેમ માનવામાં આવે છે.
નવા ગોલ્ડ કાર્ડ અંગે વાત કરતા પ્રમુખ ટ્રમ્પે તેમની જૂની ઈમિગ્રેશન નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ વિશેષરૂપે ભારતીય વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે, ભારત, ચીન, જાપાન અને અન્ય દેશોમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને હાર્વર્ડ, ધ વ્હોર્ટન સ્કૂલ ઓફ ફાઈનાન્સ, સ્ટેનફોર્ડ જેવી ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે.
અભ્યાસ પછી અમેરિકન કંપનીઓ તેમને જોબ ઓફર કરે છે.
પરંતુ ઓફર તુરંત પાછી લઈ લે છે, કારણ કે તેમને ખબર નથી હોતી કે વિદ્યાર્થી અમેરિકામાં રહી શકશે કે નહીં.
ટ્રમ્પે ઉમેર્યું કે, ખામીવાળી ઈમિગ્રેશન પોલિસીના કારણે પ્રતિભાશાળી વિદેશી વિદ્યાર્થીઓએ મજબૂરીમાં અમેરિકા છોડીને પોતાના દેશ પરત ફરવું પડે છે.
આવા વિદ્યાર્થીઓ પોતાના દેશ પાછા ફરીને સફળ ઉદ્યોગસાહસિક બની જાય છે.
ત્યાં કંપની ખોલે છે અને અબજોપતિ બની જાય છે. તેઓ હજારો લોકોને રોજગારી આપે છે. આ કારણોસર અમેરિકાને મોટો આર્થિક ફટકો પડે છે.
હું ઈચ્છું છું કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અમેરિકામાં રોકાઈ શકે.
ગોલ્ડ કાર્ડ યોજના અંગે ટ્રમ્પે ગુરુવારે વધુમાં જણાવ્યું કે, અમે ૫૦ લાખ અમેરિકન ડોલરમાં ગોલ્ડ કાર્ડ વેચીશું.
અમે ઉત્પાદક અને પ્રતિભાશાળી લોકો ઈચ્છીએ છીએ. માત્ર વિદેશી રોકાણકારો જ નહીં પરંતુ અમેરિકન કંપનીઓ પણ ગોલ્ડ કાર્ડ ખરીદી શકશે.
તેઓ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ હેઠળ ભારત સહિતના પ્રતિભાશાળી વિદેશી વિદ્યાર્થીઓની ભરતી કરી શકશે.
તેમણે ઉમેર્યું કે, આ જ સમયે કંપનીઓ દ્વારા ખરીદાયેલા ગોલ્ડ કાર્ડથી મળનારા નાણાંનો ઉપયોગ અમેરિકાનું દેવું ચૂકવવા માટે થશે.
ગોલ્ડ કાર્ડનું વેચાણ અંદાજે બે સપ્તાહમાં શરૂ કરાશે અને આ પ્રકારના કાર્ડના વેચાણથી અમે લાખો ડોલર ઊભા કરી શકીશું.
આપણે ૧૦ લાખ ગોલ્ડ કાર્ડ વેચીએ તો ૫૦ લાખ કરોડ ડોલર ઊભા થઈ શકે છે.
આ ભંડોળ અમેરિકાનું દેવું ઘટાડવામાં નોંધપાત્ર મદદ કરી શકશે.