લાંબા સમયથી ભારત માટે સૌથી મોટી ચિંતા સર્જી ગયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ કાર્ડને હળવું બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રામાં ડાહી-ડાહી-ડિપ્લોમેટીક ચર્ચા બાદ ભારત અને અમેરિકા વચ્ચે 500 બીલીયન ડોલરના વ્યાપારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ખાસ કરીને ભારત હવે અમેરિકા પાસેથી વધુ ક્રુડ ઓઈલ- ગેસ તથા એફ-35 આધુનિક લશ્કરી વિમાનો સહિતના અબજો ડોલરના શસ્ત્રો પણ ખરીદશે.
શ્રી ટ્રમ્પે એક તરફ ભારતના કહેવાતા ઉંચા ટેરીફ પ્રત્યે પોતાની તિવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
તો બીજી તરફ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ‘ટફ’ વાટાઘાટાકાર તરીકે ગણાવ્યા હતા અને અંતે આજે દેશો વચ્ચે મહત્વના વ્યાપારી કરાર થયા હતા.
વ્હાઈટ હાઉસની બેઠક બાદ એક સંયુક્ત પત્રકાર પરિષદને બન્ને રાષ્ટ્રવડાઓએ સંબોધી હતી.
જેમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ભારત અને અમેરિકા તેમના વ્યાપાર ખાધને સમતોલ કરવા અમેરિકાથી વધુ ક્રુડતેલ અને ગેસની આયાત કરશે અને ટ્રમ્પે એ આશા પણ વ્યક્ત કરી કે અમેરિકા ભારતમાં ક્રુડતેલ ગેસનું સૌથી મોટુ નંબર વન નિકાસકાર બની રહે તે જોવામાં આવશે.
શ્રી મોદીએ આ પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના મેક-અમેરિકા ગ્રેટ અગેઈનના મોટોથી પરિચીત છે અને ભારતમાં 2047 સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે અને બન્ને દેશો આતંકવાદ સામેની લડાઈમાં પણ સાથે છે.
અમેરિકા સાથેની સંરક્ષણ સોદામાં ભારત અમેરિકા પાસેથી ફીફટ જનરેશન એફ-35 લડાયક વિમાન ખરીદશે અને બન્ને દેશો વચ્ચે શસ્ત્ર કરારમાં સહી થઈ છે ત્યાં ટ્રમ્પે જાહેરાત કરી કે ભારતમાં સૈન્ય શસ્ત્રોનું વેચાણ અનેક અબજ ડોલર વધારશું અને અમો તેમાં ભારતને એફ-35 વિમાન પુરા પાડવા માટે તૈયાર છીએ.
શ્રી ટ્રમ્પની ચાર વર્ષના ગાળા બાદ વ્હાઈટ હાઉસમાં વાપસી બાદની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રથમ મુલાકાત છે.
શ્રી મોદીએ કહ્યું કે એ બાબત પ્રશંસનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા અમેરિકી હિતોને જ સર્વોપરી ગણે છે અને હું પણ ભારતના હિતોને સર્વોચ્ચ પ્રાથમીકતા આપુ છું.
તે મારા માટે સૌભાગ્ય છે અને હું અગાઉ શ્રી ટ્રમ્પ સાથે કામ કરવાના અનુભવથી કહી શકુ છું કે આપણે એ જ પરસ્પરના સહયોગ, વિશ્વાસ અને ઉત્સાહથી ભારત-અમેરિકા વચ્ચેની ભાગીદારીને આગળ વધારશું.