Deepseek લોન્ચ કરતાંની સાથે જ દુનિયાભરમાં તેની હોહા થઈ ગઈ હતી. એને ટક્કર આપવા માટે હવે ગૂગલ દ્વારા તેનું નવું AI મોડલ જેમિની 2.0 પ્રો એક્સપેરિમેન્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગૂગલ દ્વારા Gemini 2.0 ફ્લેશ થિંકીંગ મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડલ હાલમાં Gemini એપમાં ઉપલબ્ધ છે. ટેક ઇન્ડસ્ટ્રી હવે કોસ્ટ-અફેક્ટિવ AI મોડલ તરફ પ્રયાણ કરી રહી છે. Deepseek દ્વારા AI ઇન્ડસ્ટ્રીનો માહોલ બદલી નાખવામાં આવ્યો છે. એના કારણે હવે દરેક કંપની ઓછા ખર્ચમાં AI મોડલ બનાવી રહી છે.
Deepseekના R1 મોડલને ટક્કર આપવાની તૈયારી
Deepseek R1 મોડલ ખૂબ જ સસ્તુ અને સારું પર્ફોર્મન્સ આપે છે. આ મોડલને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે એક મહિના બાદ તેને લોકપ્રિયતા મળી હતી. જોકે ત્યાર બાદ તે તેના ડેટા પ્રોસેસિંગ અને સિક્યુરિટીને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. આથી ડીપસીકને ટક્કર આપવા માટે ગૂગલ દ્વારા Gemini એપમાં 2.0 ફ્લેશ થિંકીંગ મોડલ આપવામાં આવ્યું છે. ગૂગલે એક અઠવાડિયા પહેલાં ભૂલથી તેના ચેન્જલોગમાં જેમિની 2.0 પ્રો એક્સપેરિમેન્ટલ આવી રહ્યું છે એની માહિતી આપી દીધી હતી. જોકે હવે કંપની દ્વારા તેને ઓફિશિયલી લોન્ચ કરવામાં આવ્યું છે.
સૌથી ઍડ્વાન્સ AI મોડલ ગૂગલનું
Gemini 2.0 પ્રો એક્સપેરિમેન્ટલ મોડલ ગૂગલનું અત્યાર સુધીનું સૌથી એડ્વાન્સ AI મોડલ છે. ગૂગલની Gemini AI ફેમિલીમાં હવે Gemini 1.5 પ્રોનો સમાવેશ એક ફ્લેગશિપ મોડલ તરીકે કરવામાં આવી રહ્યો છે. આ ઍડવાન્સ મોડલનો ઉપયોગ AI ડેવલપમેન્ટ પ્લેટફોર્મ વર્ટેક્સ AI અને ગૂગલ AI સ્ટુડિયોની સાથે જેમિની ઍડ્વાન્સ સબસ્ક્રાઇબર્સ પણ કરી શકશે. પહેલાં મોડલ કરતાં ગૂગલનું 2.0 મોડલ કોડિંગની સાથે કોમ્પ્લેક્સ સવાલના જવાબ આપવા માટે સક્ષમ છે. આ સાથે જ એની પાસે ઘણાં નવા શબ્દોની સમજ પણ છે.
એક સાથે 15 લાખ શબ્દોને પ્રોસેસ કરવા સક્ષમ
Gemini 2.0 પ્રોની કોન્ટેક્સ વિન્ડોમાં 20 લાખ ટોકનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનો મતલબ એ થાય છે કે જેમિની એક સાથે 15 લાખ શબ્દોને પ્રોસેસ કરી શકે છે. ઉદાહરણ તરીકે ‘હેરી પોટર’ સીરિઝના સાત પુસ્તકનો સમાવેશ એક સાથે કરી લે છે અને એમ છતાં ચાર લાખ શબ્દો માટેની જગ્યા બાકી રહે છે. ગૂગલના લેટેસ્ટ AI મોડલની આ કાર્યક્ષમતા ખૂબ જ મોટી સિદ્ધી છે.
ફ્લેશ મોડલ Gemini 2.0
ગૂગલ દ્વારા જેમિની 2.0 ફ્લેશ મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડલનો ઉપયોગ યૂઝર્સ Gemini એપ અને ડેસ્કટોપ પર કરી શકે છે. આ સાથે જ Deepseekને ટક્કર આપવા માટે ગૂગલ દ્વારા Gemini 2.0 ફ્લેશ-લાઇટ મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલનો દાવો છે કે આ મોડલ તેના જૂના વર્ઝન કરતાં ખૂબ જ સારું પર્ફોર્મ કરશે અને એ પણ જૂના મોડલની કિંમતે.