બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘણા બાળકો બાળપણથી જ અસાધારણ પ્રતિભા ધરાવતા હોય છે. સંસ્કારી નગરી વડોદરા શહેરમાં પણ આવી જ એક બાળકી રહે છે. જેણે માત્ર ચાર વર્ષ અને અગિયાર મહિનાની ઉંમરે, જુનિયર કેજીની વિદ્યાર્થીની, સ્વરા પગીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને પોતાના પરિવારનું તથા શહેરનું નામ રોશન કર્યું છે. તેણીએ ચાર મિનિટ અને ચોવીસ સેકન્ડમાં સંપૂર્ણ હનુમાન ચાલીસાના પાઠ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ એ એક પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ છે જે વિવિધ ક્ષેત્રોમાં વ્યક્તિઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપે છે અને આટલી નાની ઉંમરે આ પુસ્તકમાં આ યુવતીનો સમાવેશ થાય તે ખરેખર પ્રશંસનીય છે. સ્વરા પગી, વડોદરા, ગુજરાતની IBR એચિવર (જન્મ 5 ડિસેમ્બર, 2019), ચાર વર્ષ અને અગિયાર મહિનાની ઉંમરે ચાર મિનિટ અને ચોવીસ સેકન્ડમાં સંપૂર્ણ હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ 25 નવેમ્બર, 2024ના રોજ ‘IBR અચીવર’નું બિરુદ મેળવ્યું હતું. તેણીની સિદ્ધિ ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે.
સ્વરાની માતા ડૉ. અલકા પગી, ઔદ્યોગિક ચિકિત્સક છે. પિતા ડૉ. કલ્પેશ પગી, વાઘોડિયામાં સરકારી તબીબી અધિકારી છે. તેઓને તેમની પુત્રીની સિદ્ધિ પર ખૂબ ગર્વ છે. લોકલ 18 સાથે વાત કરતા સ્વરાની માતાએ જણાવ્યું કે, “દરરોજ, અમારા ઘરે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે, ત્યારે સ્વરા મારી સાથે બેસીને પાઠ કરતી હતી. તેણીએ ધીમે ધીમે સંપૂર્ણ ચાલીસા શીખી લીધી હતી. તેની આ અસાધારણ પ્રતિભાને જોઈને અમે તેનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવાનું નક્કી કર્યું હતું. અમે તેનું નામ રજીસ્ટર કરાવ્યું હતું. ઓકટોબરમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને રેકોર્ડ સર્ટિફિકેટ મેળવ્યું છે. ગ્રાસ્પિંગ અને આત્મવિશ્વાસથી તેણે દોઢ વર્ષની ઉંમરે તેનું પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. હવે તે અમારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આગામી સમયમાં તે વધારે રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરશે.”