સંસ્કારી નગરી વડોદરામાં 2010થી સેવક ફાઉન્ડેશન લોકસેવાનું કાર્ય કરી રહ્યું છે. આ ફાઉન્ડેશન છેલ્લા 13 વર્ષથી સંચાલિત ‘સેવક પ્રોજેક્ટ’ ચલાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત તેમની જીવનશૈલીમાં જરૂરી ફેરફાર સાથે આરોગ્ય અંગેનું શિક્ષણ અપાઈ રહ્યું છે. વડોદરામાં ‘સેવક પ્રોજેક્ટ’ના કર્મચારીઓ માટે 19 થી 21 ડિસેમ્બર દરમિયાન તાલીમ શિબિર યોજવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી 100 જેટલા ‘સેવક પ્રોજેક્ટ’ સાથે સંકળાયેલા સેવકોએ ઉપસ્થિત રહ્યા.
વડોદરા ખાતે સેવકો માટેની તાલીમ શિબિરનું ઉદ્ઘાટન ‘સેવક પ્રોજેક્ટ’ સ્થાપક ઠાકોર પટેલ અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ‘લોકલ 18’ સાથે વાત કરતા ‘સેવક પ્રોજેક્ટ’ના સ્થાપક ઠાકોર પટેલે જણાવ્યું હતું કે, ‘‘અમારા પ્રોજેક્ટ હેઠળ ગુજરાત, તામિલનાડુ, બિહાર તેમજ ઓડિશાના 320 ગામડાઓમાં 65 જેટલા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. અમારા સેવકો દ્વારા ગામડાઓમાં જઈને 3,80,000 લોકોનું બ્લડપ્રેશર, ડાયાબિટીસનું ચેકઅપ કરે છે. જે લોકોને જરૂર લાગે તેઓને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પણ મોકલવામાં આવે છે. તેનાથી લોકોને ફાયદો થયો છે.’’
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘‘આજે તાલીમ શિબિરમાં 65 સ્વયંસેવકો આવ્યા છે. જેઓને હાર્ટ એટેક, કેન્સરને લઈને આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવી હતી. ગામડાઓમાં બ્રેસ્ટ કેન્સરના વધારે કેસ જોવા મળી રહ્યા છે. તેથી આ વખતે અમે સ્વયંસેવકોને ખાસ બ્રેસ્ટ એક્ઝામિનેશનની ટ્રેનિંગ આપી છે. પુરુષ સ્વયંસેવક પોતાની પત્નીને બ્રેસ્ટ એક્ઝામિનેશન કેવી રીતે કરવું તે શીખવાડશે. જેનાથી તે અન્ય મહિલાઓને પણ શીખવી શકશે અને જો આ કેન્સરના લક્ષણો જણાય તો તેનું જલદી નિવારણ લાવી શકાશે.’’ ‘સેવક પ્રોજેક્ટ’ના સેવક રમીલાબેન ચીખલીયાએ જણાવ્યું કે, ‘‘હું કચ્છ જિલ્લાની વતની છું. છેલ્લા 11 વર્ષથી હું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છું. અમે ઘરે ઘરે જઈને લોકોનું બી.પી. અને સુગર ચેક કરીએ છીએ. જો કોઈને બી.પી. અને સુગર વધારે લાગે તો તેઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના હોસ્પિટલ ખાતે રેફર કરીએ છીએ. આ કામ કરવામાં અમને આનંદ આવે છે.’’