વડોદરા શહેર એ સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અહીં કોઈ લાચાર કે નિરાધાર ભૂખ્યાં ન રહે, કપડાં વિના ન રહે તેની સંસ્કારી નગરીના સેવા સંગઠનો અને સમાજસેવીઓ દ્વારા કાળજી લેવામાં આવે છે. અન્ય શહેરોમાં આવી માનવતા જોવા મળે તે દુર્લભ છે. શહેરના સેવાભાવી વ્યક્તિ એટલે જયેશભાઈ મિસ્ત્રી. જેઓને સેવાના સંસ્કાર માતા પિતા તરફથી વારસામાં મળ્યા છે. તેમણે નોકરી કરવાની સાથોસાથ સમાજમાં પોતાનું યોગદાન આપીને સેવા કરવા માટે 'ટીમ સહાય ટ્રસ્ટ' શરૂ કર્યો છે. 'ટીમ સહાય ટ્રસ્ટ'દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યોમાં મદદરૂપ થવા સી.એસ.આર. સામાજિક કાર્યો માટે “આર.એ. બેકઓફિસ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ” દ્વારા ચેરિટી ડ્રાઇવ અંતર્ગત 300 નંગ ગરમ ધાબળા, 45 શ્રમજીવી પરિવારો માટે ખાદ્ય સામગ્રી કીટ જેમાં 1 કીટમાં 15 કિલો ખાદ્ય સામગ્રી, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે બાળકોને નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. ગરમ ધાબળા શ્રમજીવી પરિવારો અને નાના બાળકોને ઠંડી હૂંફ મેળવવા ઉપયોગી થશે, ખાદ્ય સામગ્રીથી ગરીબ શ્રમજીવી પરિવારોના સભ્યોને ભોજન બનાવવાની પ્રાથમિક જરૂરિયાત પૂરી થશે.
ઉત્તમ સેવાકીય કાર્ય શહેરના હરણી વિસ્તારના વોર્ડ નંબર 6, વિજયનગર ખાતે આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. જેમાં “આર.એ. બેક ઓફિસ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ” કંપનીના સહજભાઈ ઠક્કર, ગૌરવભાઈ શાહ, “ટીમ સહાય”ના જયેશ મિસ્ત્રી, મહેશભાઈ ઉપાધ્યાય, ચીમનભાઈ રાવલ સાથે સંસ્થાના કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તદુપરાંત 'ટીમ સહાય ટ્રસ્ટ' છેલ્લા 11 વર્ષોથી રામરોટી સેવાનું આયોજન કરી નિરાધારોનું આધાર બન્યું છે. 'ટીમ સહાય ટ્રસ્ટ' અઠવાડિયામાં પાંચ દિવસ અલગ અલગ ભોજન પ્રસાદી રૂપે નિરાધારો, ભિક્ષુકોને આપવામાં આવે છે. જેમાં દરરોજના સવાસો જેટલા ભિક્ષુકોને ભોજન પૂરું પાડે છે.