સમાજમાં દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. કોઈક ગરીબીમાં જીવે છે તો કોઈક સુખ-સમૃદ્ધિમાં. આ વાસ્તવિકતાને નજીકથી સમજવા માટે ગાંધીનગરની ધીરુભાઈ અંબાણી કોલેજના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ રાજકોટના બોલબાલા ટ્રસ્ટ સાથે એક અનોખા સર્વિસ પ્રોજેક્ટમાં ભાગ લીધો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ એન્જિનિયર્સને કરુણાના પાઠ ભણાવવા અને તેમને સમાજના વંચિત વર્ગની વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ કરાવવાનો છે. વિદ્યાર્થીઓ રૂરલ વિસ્તારોમાં ઇન્ટર્નશિપ કરી રહ્યા છે, જ્યાં તેઓ ગરીબ લોકોની જીવન જરૂરિયાતોને નજીકથી સમજી રહ્યા છે. ગાંધીનગર કોલેજમાંથી ઇન્ટર્નશિપ માટે આવ્યા છે, તેઓ કહે છે કે, આ અનુભવ તેમના માટે ખૂબ જ ભાવુક અને શિક્ષાપ્રદ છે. તેઓ રૂરલ વિસ્તારોમાં લોકોને ખાવાનું, ધાબળા અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે.
વિદ્યાર્થીઓ કહે છે કે, પોતાના પેરેન્ટ્સ પાસેથી સઘળી સુવિધાઓ મળતી હોવા છતાં, આ ઇન્ટર્નશિપે તેમને જીવનના કઠોર સત્યથી રૂબરૂ કરાવ્યા છે. તેઓ હવે સમજે છે કે, દેશમાં ઘણા એવા લોકો છે, જેમને ખરેખર મદદની અત્યંત જરૂર છે. આ ઇન્ટર્નશિપ તેમને ટીમ વર્ક, સંવેદનશીલતા અને સમાજ પ્રત્યેની જવાબદારીનો પાઠ ભણાવી રહી છે. બોલબાલા ટ્રસ્ટ અને ધીરુભાઈ અંબાણી કોલેજ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ એક મહિનો ટ્રસ્ટમાં રહીને ક્ષેત્ર કાર્ય કરશે. ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ લોકોને તેમની મૂળભૂત જીવન જરૂરિયાતોમાં મદદ કરવાનો છે. આ પ્રયાસ દ્વારા ન કેવળ સેવા થઈ રહી છે, પરંતુ ભાવિ એન્જિનિયર્સ પણ માનવીય મૂલ્યો અને સંવેદનાનો ગહન પાઠ શીખી રહ્યા છે.