અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ વિસામો કિડ્સ ફાઉન્ડેશન દ્વારા સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શેલ્ટર હોમની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ વાત તો એ છે કે આ સંસ્થા દ્વારા બાળકોને રહેવા-જમવાની સાથે શિક્ષણની પણ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. જેના લીધે આ સંસ્થા ગુજરાતમાં સમાજના વંચિત વર્ગના બાળકો માટે આશાનું કિરણ બની છે.
વિસામો કિડ્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ સુપરવાઈઝર અમીબેન શાહ સાથે વાત કરતા જણાવ્યું કે, “વિસામો કિડ્સ ફાઉન્ડેશન એ એક અમદાવાદ સ્થિત NGO છે કે, જે સમગ્ર ગુજરાતમાંથી વંચિત પરિવારોમાંથી આવતા ગરીબ બાળકોને મફત શિક્ષણની સાથે રહેવા, ખાવા-પીવાની પણ સુવિધા પૂરી પાડે છે.” વિસામોની શરૂઆત 2002માં ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ થઈ હતી. એ સમયે આ સંસ્થા દ્વારા અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ગરીબ પરિવારના લોકો માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિસામો કિડ્સ ફાઉન્ડેશનને 2001માં કેલોરેક્ષ દ્વારા હાથ ધરવામાં આવેલા ભૂકંપ પછીના રાહત અને પુનર્વસન કાર્ય દરમિયાન પ્રેરણા મળી હતી. એ પછી સમાજના જરૂરિયાતમંદ બાળકો પોતાના ભવિષ્યનું સ્વપ્ન જોઈ શકે, પોતાની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે અને મૂળભૂત સુવિધાઓ મેળવી શકે તે ઉદ્દેશ્યથી 18 વંચિત બાળકોથી આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહિ, બાળકને તેમના ઇચ્છિત ભવિષ્ય સુધી પહોંચવા માટે કપડાં અને શિક્ષણની પણ સુવિધા આ સંસ્થા પૂરી પાડે છે. આ સાથે ડ્રોઇંગ, યોગ, મ્યુઝિક ક્લાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં એક નવી શક્તિનો સંચાર કરવામાં આવે છે.
આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રારંભિક તબક્કે ગ્રામ્ય કક્ષાએ કાર્યરત જુદા જુદા NGOનો સંપર્ક કરી બાળકોનો સંપર્ક કરવામાં આવે છે. ત્યારબાદ બાળકોના સ્ક્રીનિંગ ટેસ્ટ, ટ્યુટોરિયલ ટેસ્ટ, વિસામો કેમ્પ, મેડિકલ ટેસ્ટ, આઈક્યુ ટેસ્ટ, પેનલ ઈન્ટરવ્યુ અને થર્ડ પાર્ટી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સંસ્થા દ્વારા બાળકને એડમિશન આપવામાં આવે છે. આ સાથે શહેરની નામાંકિત શાળામાં તેમને પ્રવેશ પણ અપાવવામાં આવે છે. આમ 18 વંચિત બાળકોથી શરૂ થયેલી આ સંસ્થા આજે 175 જેટલા જરૂરિયાતમંદ બાળકોને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં સફળ થઈ છે.