કોરોનાકાળનો સમયગાળો ભારત સહિત વિશ્વભરના લોકો માટે સૌથી ભયાનક હતો. તે વખતે અનેક લોકોના મોત થયા હતા, તો ઘણાં દેશોના અર્થતંત્ર પડી ભાગ્યા હતા. આ દરમિયાન ભારતના અર્થતંત્રને પણ ફટકો પડ્યો હતો, જોકે તેમ છતાં ભારતે તમામ જરૂરીયાતમંદ લોકોની મદદ કરવા માટે હાથ લંબાવ્યો હતો. કેન્દ્ર સરકારે અમેરિકા સહિત 150 દેશોની મદદ કરી દવાઓનો જથ્થો મોકલ્યો હતો, જેની વિશ્વભરે નોંધ લીધી હતી, ત્યારે ડોમિનિકા દેશ આ મદદ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવાની છે.
ડોમિનિકા સરકારે કહ્યું છે કે, ‘ડોમિનિકા રાષ્ટ્રમંડળ આ મહિને વડાપ્રધાન મોદી(PM Narendra Modi)નું સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ડોમિનિકા ઍવૉર્ડ ઑફ ઑનર’થી સન્માન કરશે. કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) તેમજ બંને દેશોની ભાગીદારી મજબૂત કરવામાં વડાપ્રધાન મોદીના યોગદાન અને સમર્પણ બદલ આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.