ટ્વીટ દ્વારા UPIની લોકપ્રિયતા અને ઉપયોગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી
ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPIનો ઉપયોગ વિશ્વના તમામ દેશોમાં થઈ રહ્યો છે.
ભારત સરકાર પણ UPIને તેની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક માને છે.
ભારતનો UPI પસંદ કરનારાઓની લિસ્ટમાં જર્મની પણ સામેલ થઈ ગયું છે.
G20 સમિટમાં ભાગ લેવા આવેલા જર્મનીના ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગે તેને ભારતની સફળતા ગણાવી છે.
જર્મનીના મંત્રીએ કરી UPI દ્વારા ચુકવણી
જર્મનીના યુનિયન ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગે UPIનો ઉપયોગ કરીને પેમેન્ટની સરળતાનો અનુભવ કર્યો અને તેઓ તેના ફેન બની ગયા હતા.
વોલ્કર વિસિંગે 19 ઓગસ્ટે બેંગલુરુમાં G20 ડિજિટલ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી અને ગઈકાલે બેંગલુરુની શેરીઓમાં ફરવા નીકળ્યા હતા.
અહીં તેમણે શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદ્યા અને તેના માટે UPI દ્વારા ચૂકવણી કરી હતી.
જર્મનીના મંત્રીનો શાકભાજી ખરીદતો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
જર્મન એમ્બેસીએ પોસ્ટ કર્યો વીડિયો
ભારતમાં જર્મન એમ્બેસી દ્વારા X (ટ્વિટર) પર ટ્વીટ દ્વારા UPIની લોકપ્રિયતા અને ઉપયોગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
દૂતાવાસના ટ્વીટમાં ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા કહેવામાં આવ્યું હતું કે UPI દેશની સફળતાની ગાથાઓમાંની એક છે.
જર્મનીના ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મંત્રી વોલ્કર વાઈસિંગ UPIનો ઉપયોગ કરીને તેનાથી ખુબ પ્રભાવિત થયા હતા. તેઓએ કહ્યું કે તે ખૂબ જ યુઝર ફ્રેન્ડલી છે અને હું એ વાતથી આશ્ચર્યચકિત હતો કે ટ્રાન્ઝેક્શન કેટલી ઝડપથી પૂર્ણ થયો.
તેમણે UPIની સુરક્ષા વિશેષતાઓની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે ખૂબ જ સુરક્ષિત છે અને મને વિશ્વાસ છે કે મારા પૈસા સુરક્ષિત છે.